My Account | Online Catalogue | Contact Us
Newspaper:Mumbai Samachar
Date: October 14, 2015
પ્રાસંગિક - દર્શના વિસરીયા
આપણે ત્યાં એવું કહેવાય છે કે એક પુસ્તક સો સારા મિત્રોની ગરજ સારે છે, પરંતુ બદલાતો સમય, બદલાતી જીવનશૈલી, ટેક્નોલોજીની સાથે પુસ્તકો ઘરના કોઈક ખૂણામાં કે માળિયા પર પડ્યાં રહે છે. જો કોઈક વધારે શોખીન હશે તો ભૂતકાળમાં પોતાને વાચનનો શોખ હતો એનું પ્રદર્શન કરવા માટે ઘરના લિવિંગ રૂમમાં એન્ટિક કબાટમાં શોભાના ગાંઠિયાની જેમ સજાવીને મૂકશે...
પહેલાંના જમાનામાં જ્યારે નાટક અને સંગીતના કાર્યક્રમો ખૂબ ઓછા થતા ત્યારે લોકો એ જોવા માટે પૈસા ખર્ચીને જતાં હતા. ધીમે ધીમે વીસીઆર આવ્યું અને લોકોને થયું કે બસ હવે રંગભૂમિનો અસ્ત થઈ જશે, પરંતુ એવું થયું નહીં. આજે સીડી અને ડીવીડીના યુગમાં સંગીતના મામલે પણ એવું જ થયું કે એને કારણે લોકો હવે સંગીતના જલસામાં જવાનું બંધ કરી દેશે... પરંતુ એ વખતે પણ એવું થયું નહીં. બહુ દૂર નથી જવું, પરંતુ આજની જ વાત કરીએ તો દર અઠવાડિયે બે-ત્રણ ફિલ્મો રિલીઝ થાય છે અને બીજે કે ત્રીજે દિવસે તો એ ફિલ્મ ટોરન્ટ કે યુટ્યૂબ કે પછી ઈન્ટરનેટ પર પણ આવી જાય છે. પરંતુ શું આ બધાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અંત આવી ગયો? નહીંને...? આ બધા પાછળ કયું પરિબળ જવાબદાર છે એવો પ્રશ્ર્ન તમને થાય તો એનો જવાબ છે ઈચ્છાશક્તિ. વાત છે ઈચ્છાશક્તિની. લોકોને સતત નવું જોઈએ છે અને લાઈબ્રેરી માટે પણ આવું જ છે. ભાગદોડભરી આજની જીવનશૈલીમાં લોકોને લાઈબ્રેરીમાં જવાનો સમય નથી મળતો. લોકો લાઈબ્રેરી સુધી નથી પહોંચી શકતા ત્યારે આપણે લાઈબ્રેરીને રિમોલ્ડ કરીને લોકો સુધી પહોંચાડી શકીએ, એવું જણાવે છે ભારતીય વિદ્યાભવન સાથે સંકળાયેલા અને દરેક પ્રવૃત્તિમાં સક્રિય રીતે ભાગ લેતા નિરંજન મહેતા.
આપણે ત્યાં મોબાઈલ લાઈબ્રેરીનું ચલણ ઓછું છે, પરંતુ વિદેશોમાં તો ઠેરઠેર આવી મોબાઈલ લાઈબ્રેરી ચાલે છે અને નાગરિકો એનો લાભ પણ ઉઠાવે છે. અઠવાડિયા કે પખવાડિયાના એકાદ ચોક્કસ દિવસે નક્કી કરેલા વિસ્તારમાં પુસ્તકોથી ઊભરાતી વૅન આવીને ઊભી રહે અને પુસ્તકપ્રેમીઓ પોતાની પસંદગીના પુસ્તકો પસંદ કરીને વાંચવા લઈ જાય અને લીધેલાં પુસ્તકો સુપ્રત કરે. આ જ સાઈકલ ચાલતી રહે છે અને લોકો લાઈબ્રેરી સુધી અને લાઈબ્રેરી લોકો સુધી પહોંચતા રહે છે.
ભારતીય વિદ્યાભવન... ક્લાસિક મુંબઈગરાઓ માટે આ નામ અજાણ્યું તો નથી જ અને હોય પણ કેમ? નાટ્ય, સંગીત, પ્રકાશન જેવી વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું ભવન્સ ૫૦-૬૦ના દાયકામાં નવોદિત કલાકારોને ‘ઑક્સિજન’ પૂરું પાડવાનું કામ કરતું હતું એવું કહી શકાય અથવા તો એવું કહી શકાય કે આ બધી પ્રવૃત્તિઓ માટેનું એપીસેન્ટર ગણાતું હતું.
આમ તો ૧૯૩૮માં ઓફિશિયલી કનૈયાલાલ મુન્શી એટલે કે ક.મા. મુન્શી દ્વારા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરવામાં આવી, પરંતુ આવું એક કેન્દ્ર મુન્શીજીના મગજમાં ૧૯૩૨-૩૩માં આકાર લઈ ચૂક્યું હતું. સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો એકદમ એક્ટિવ સપોર્ટ મુન્શીજીને મળ્યો હતો અને એના જ પ્રતાપે ભવન્સ આજે એક વટવૃક્ષની જેમ ફૂલ્યુંફાલ્યું છે. આવા કલામંદિર સમાન જ ભવન્સના ત્રીજા માળે આવેલી મુન્શી સરસ્વતી મંદિર ગ્રંથાગારમાં પગ મૂકો ને તમારું રોમ રોમ પ્રફુલ્લિત થઈ ઊઠે... જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં દેખાય કબાટમાં લાઈનબદ્ધ રીતે મુકાયેલા પુસ્તકો.
૧૯૪૭માં શરૂ કરવામાં આવેલી આ લાઈબ્રેરી મુંબઈની બિગેસ્ટ લાઈબ્રેરી હોવાનું માન ધરાવે છે. સૌથી મોટું પુસ્તકાલય. વિસ્તારની દૃષ્ટિએ. ભવન્સની સમૃદ્ધ લાઈબ્રેરીનો લાભ વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક રિસર્ચર્સ પણ લઈ રહ્યા છે. ભારતના અનેક ખૂણેથી પંડિતો, જૈન-મુનિ, અન્ય સંપ્રદાયોના સ્વામીજી, ગુરુદેવો પણ આ લાઈબ્રેરીમાં આવીને સંશોધન કરે છે અને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે.
આ લાઈબ્રેરીમાં પુસ્તકપ્રેમીઓ માટે મુન્શીજીએ પોતાનાં પુસ્તકોનું અંગત કલેક્શન પણ ખુલ્લું મૂકી દીધું હતું. ગુજરાતી, ઈંગ્લિશ, મરાઠી અને હિંદી ભાષાના પુસ્તકોથી સજ્જ આ લાઈબ્રેરીમાં સંસ્કૃત ભાષાનાં પુસ્તકોની સંખ્યા વધારે છે. લાઈબ્રેરી ઉપરાંત ભારતીય વિદ્યાભવનનું પોતાનું એક પબ્લિકેશન છે નામે બુક યુનિવર્સિટી. આ પબ્લિકેશનના માધ્યમથી અત્યાર સુધી આશરે ૧૮૦૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને તેમાં પણ રામાયણ અને મહાભારતની આશરે ૫૫થી ૫૬ આવૃત્તિ પ્રકાશિત થઈ છે.
વધુમાં વધુ લોકો આ લાઈબ્રેરીનો લાભ લે અને વાચન તરફ વળે એ માટે લાઈબ્રેરી દ્વારા કેટલીક નવી યોજના શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે અથવા તો એવું કહી શકાય કે એક લાઈબ્રેરી કેમ્પેઈન ચલાવવાની યોજના વિચારણા હેઠળ હોવાનું પણ નિરંજન મહેતાએ જણાવ્યું હતું. આ યોજનામાં કોર્પોરેટ પ્લાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાઈબ્રેરી દ્વારા વાંચનપ્રેમીઓને તેમની રૂચિ જળવાઈ રહે તે માટે પુસ્તકોની ફ્રી હોમ ડિલિવરી આપવાની યોજનાનો પણ અમલ કરવામાં આવશે.
લાઈબ્રેરીમાં આજની તારીખમાં આશરે ૧૫,૦૦૦ જેટલા દુર્લભ પુસ્તકો છે અને તેમને ડિજિટલ બનાવવાની શરૂઆત પણ કરવામાં આવી રહી છે. ડિજિટલાઈઝેશન બાદ આ પુસ્તકો વાચકો સામે ઈ-બુક રૂપે રજૂ કરવામાં આવશે, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ કાળજી અને સમય માગી લે તેવી હોવાને કારણે આમાં હજી સમય લાગશે.
વાચકો અને પુસ્તકો વચ્ચે વધી રહેલા આ
અંતરને જોતાં હવે લાઈબે્રરી મૂવમેન્ટ કરવાનો સમય પાકી ગયો છે અને આ જ ક્રાંતિની નાનકડી શરૂઆત રૂપે કોર્પોરેટ પ્લાન, ગ્રુપ મેમ્બરશિપ, ઈ-બુક્સ, ઓનલાઈન કેટલૉગ જેવી વિવિધિ સુવિધા વાચકોને આપવાનુું ભગીરથ કાર્ય પણ આ લાઈબે્રેરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આ લાઈબ્રેરી સાથે છેલ્લાં સાત વર્ષથી સંકળાયેલાં અને લાઈબ્રેરીનું સંચાલન સંભાળતા અંજલિ કારેકરે આ લાઈબ્રેરીના સમૃદ્ધ વારસા અંગે જણાવતાં કહ્યું હતું કે લાઈબ્રેરી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો રીડિંગ, બીજો પબ્લિક અને ત્રીજો રિસર્ચ. આ ત્રણે ભાગમાં પબ્લિક વિભાગમાં સભ્યોની સંખ્યા વધી છે, જ્યારે રિસર્ચ વિભાગની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે.
એવું નથી કે આ લાઈબ્રેરીમાં માત્ર પુસ્તકો અને દુલર્ભ પુસ્તકો જ ઉપલબ્ધ છે. પુસ્તકો ઉપરાંત લાઈબે્રેરીમાં દુર્લભ અને જૂનાં કોઈન્સ, મેન્યુસ્ક્રિપ્ટ્સ પણ જોવા મળે છે.
ભવન્સના જ સંસ્કૃતના વિદ્યાર્થી અને આ લાઈબ્રેરી સાથે સંકળાયેલા કહો કે પછી આખી લાઈબ્રેરીને પોતાની અંદર સમાવી લેવાનો પ્રયાસ કરતાં ડૉ. ગિરીશ જાની સાથે આ લાઈબ્રેરી અંગે વાતચીત કરતાં જ તેમની આંખોમાં એક અનોખી ચમક જોવા મળી હતી.
ભવન્સની લાઈબ્રેરી સાથે સંકળાયાનાં આટલા વર્ષો દરમિયાન તેમને થયેલાં અનુભવો જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘લોકોમાં હજી પણ વાંચનની ભૂખ છે, અને આ ભૂખ જ્યાં સુધી છે ત્યાં સુધી લોકો લાઈબ્રેરીથી વિમુખ નહીં થાય અને એ જ આપણા માટે ધરપતની બાબત છે. આશરે ૧૦૦૦ વર્ષ જૂના ગ્રંથ પણ આ લાઈબ્રેરીમાં સાચવવામાં આવ્યા છે અને કેટલીક હસ્તપ્રતો તો હજી વણઉકેલાયેલી પડી રહી છે, કારણ કે તે ઉકેલી શકે તેવા કુશળ, નિષ્ણાતો આજની તારીખમાં આપણી પાસે ઉપલબ્ધ નથી.’
કયા ગ્રંથો અને દુર્લભ પુસ્તકો છે આ લાઈબ્રેરીમાં?
કાવ્ય, મહાકાવ્ય, વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, ન્યાય કર્મકાંડ, યજ્ઞ પૂર્વમીમાંસા (કર્મકાંડ) ઉત્તર મીમાંસા (વેદાંત), જૈનોના ૪૫ આગમ, વ્યાકરણની ૨૮થી ૩૦ જેટલી પરંપરા છે અને તેના બધા જ ગ્રંથોનો સંગ્રહ આ લાઈબે્રરીમાં છે. ૪૦થી ઉપર કોશ છે, આર્ટ, સ્કલ્પચર, આયુર્વેદને લગતા અનેક દુર્લભ ગ્રંથ. આ ઉપરાંત શંકરાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, ભાસ્કરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુના લગભગ બધા જ ગ્રંથો આ લાઈબ્રેરીમાં રાખવામાં આવ્યા છે.